શ્રી સરદાર પટેલ દિવ્ય રત્ન એવોર્ડ: સુરેન્દ્રનગરનાં સીતાબેન દેપાળાનું ભવ્ય સન્માન
સુરેન્દ્રનગર : ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ દિવસ નિમિત્તે 'શ્રી સરદાર પટેલ દિવ્ય રત્ન એવોર્ડ'નું ભવ્ય આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સમાજ અને દિવ્યાંગ સમુદાય માટે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અનેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દિવ્યાંગ સીતાબેન રાજેશભાઈ દેપાળાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમની સમાજ સેવાના ઉમદા કાર્યો બદલ શાલ ઓઢાડી, સન્માન પત્ર અને સ્મૃતિચિન્હ (શિલ્ડ) આપીને ગૌરવવંતુ સન્માન કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ નારી શક્તિનાં પ્રેરણા સ્ત્રોત
સીતાબેન દેપાળા, પોતાની કર્તવ્યનિષ્ઠા અને પ્રેરક જીવનથી અનેક લોકો માટે આશાનું કિરણ બન્યા છે. તેમણે દિવ્યાંગ બહેનોની તકલીફો દૂર કરીને તેમનામાં નવી આશા જગાડી છે અને તેમને સમાજમાં માનભેર સ્થાન અપાવ્યું છે. તેમની સેવાભાવના માત્ર એક ક્ષેત્ર પૂરતી સીમિત નથી, પરંતુ દરેક ક્ષેત્રમાં તેમની સેવાઓ પ્રસરી છે.
સીતાબેને દિવ્યાંગ નારી શક્તિને જાગૃત કરવા સાથે સમાજના અન્ય સેવા કાર્યોમાં પણ ઉચ્ચ યોગદાન આપ્યું છે. તેમની આ નિસ્વાર્થ સેવા અને કર્મનિષ્ઠા નારી શક્તિ માટે એક સન્માન છે, જે તેમના ઉચ્ચ કર્મ અને શ્રેષ્ઠતમ ભાવનાને દર્શાવે છે.
ગાયત્રી વિકલાંગ માનવ મંડળે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સીતાબેનને અભિનંદન આપવા માટે શબ્દો ઓછા પડે તેમ છે. તેમની સેવા દિવ્યાંગ સમુદાય માટે એક ઉચ્ચ કર્મનું ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સીતાબેનનાં કાર્યોની સરાહના કરી હતી અને તેમને ભવિષ્યમાં પણ આવી જ રીતે સેવાના કાર્ય કરીને દિવ્યાંગ સેવાને એક ઉચ્ચ સ્તરની દોરવણી આપવા માટે શુભકામનાઓ પાઠવી હતી.